
સુરત, 14 માર્ચ (હિ.સ.): સુરત શહેરમાં વધતી ગરમી વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. કઠોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય ભવાનભાઈ હડિયા પોતાની દીકરીને ધોરણ-12 કોમર્સની બોર્ડ પરીક્ષા આપવા મૂકીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.
મળતી માહિતી મુજબ ભવાનભાઈ પરિવાર સાથે કામરેજ વિસ્તારમાં અંબિકા રેસિડન્સીમાં રહેતા હતા. તેમની દીકરી દીપ્તિ હાલ ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરે છે અને બોર્ડની પરીક્ષા આપી રહી છે. ગત રોજ તેઓ દીપ્તીને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પેપર આપવા આબ્રામા સ્થિત પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલના પરીક્ષા કેન્દ્ર સુધી મુકવા ગયા હતા.
દીકરીને કેન્દ્ર પર મુક્યા બાદ તેઓ મોટા વરાછા તરફ પોતાના પુત્રની ઓફિસે મોબાઈલ સ્ટેન્ડ આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન સુદામા ચોક નજીક અતિશય ગરમીના કારણે તેમને ડિહાઇડ્રેશન થયું અને ચક્કર આવી જતા તેઓ મોપેડ પરથી પડી ગયા. આસપાસના લોકોએ તરત જ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું.
આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સૌથી સ્પર્શક બાબત એ રહી કે પિતાના અવસાનના સમાચાર મળ્યા છતાં દીકરી દીપ્તીએ હિંમત રાખીને પિતાનું સપનું પૂરું કરવા બોર્ડનું પેપર પૂર્ણ કર્યું. તેણે 17 માર્ચે યોજાનાર છેલ્લું પેપર પણ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે