


પાટણ, 15 માર્ચ (હિ.સ.)પાટણ શહેરમાં નીલમ સિનેમા નજીક 12 માર્ચના રોજ ધોળા દિવસે થયેલી યુસુફખાન પઠાણની હત્યા કેસમાં પાટણ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે મુખ્ય શૂટર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જાહેરમાં ફાયરિંગ કરનાર આરોપીનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.
મૃતક યુસુફખાન ચાંદખાન પઠાણ, 12 માર્ચની સવારે પોતાની સફેદ સ્વિફ્ટ કાર GJ 08 BF 8784 લઈને બુકડીથી જૂનાગંજ તરફ જઈ રહ્યા હતા. તે સમયે પૂર્વ આયોજન મુજબ આરોપીઓએ રસ્તામાં તેમની કાર ઉભી રખાવી અને એક આરોપીએ રિવોલ્વર જેવા હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયું.
આ ઘટનાના પગલે પાટણ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 103(1), 126(2), 61(2) તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને ટેકનિકલ સર્વેલન્સની ટીમોએ તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી કે, આરોપીઓ સફેદ જાયલો કાર GJ 24 A 8316 માં વડુ ત્રણ રસ્તા પાસેથી પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવી ગાડીને કોર્ડન કરીને ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ, સાહિદ સાજીદ શેખ, ઇમરાનખાન મહમદખાન બલોચ અને એજાજ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈને ઝડપી પાડ્યા.
પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે, પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે છેલ્લા એક વર્ષથી વૈમનસ્ય ચાલતું હતું. તાજેતરમાં નમાજ બાબતે બાળકો વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને પરિવાર વચ્ચે તણાવ વધ્યો હતો અને તે હત્યાનું તાત્કાલિક કારણ બન્યું. આરોપીઓ પાસેથી 4 લાખ રૂપિયાની જાયલો કાર અને 20 હજાર રૂપિયાના 4 મોબાઈલ સહિત કુલ 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ