
મહેસાણા, 15 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની દીકરી પટેલ ભાવિના હસમુખભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. પોલેન્ડ ખાતે યોજાયેલી ITTF વર્લ્ડ પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં તેમણે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો છે. ભાવિના પટેલની આ સિદ્ધિથી સમગ્ર મહેસાણા જિલ્લો તેમજ ગુજરાત ગૌરવ અનુભવી રહ્યું છે.
સ્પર્ધા દરમિયાન ભાવિનાએ પોતાના પ્રતિસ્પર્ધીઓ સામે ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કરી ફાઈનલ મુકાબલામાં જીત મેળવી ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. તેમના આ વિજયથી રમતજગતમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સુંઢિયા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવિના પટેલ લાંબા સમયથી ટેબલ ટેનિસ ક્ષેત્રમાં મહેનત અને લગન સાથે આગળ વધી રહી છે. તેમની અથાગ મહેનત, આત્મવિશ્વાસ અને રમત પ્રત્યેના સમર્પણના કારણે આજે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશ માટે ગૌરવ લાવી શક્યા છે.
ભાવિનાની આ સિદ્ધિ બદલ ગામજનો, રમતપ્રેમીઓ તેમજ વિવિધ સામાજિક આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની સફળતા અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે અને ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ મેળવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR