કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી
સુરત, 15 માર્ચ (હિ.સ.): કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલે પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ આડંબર વગર માત્ર જનસેવા અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કરીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. તેમના જન્મદિવસે સુરતની નવી સિવિલ હોસ્પિ
Surat


સુરત, 15 માર્ચ (હિ.સ.): કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલે પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ આડંબર વગર માત્ર જનસેવા અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કરીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. તેમના જન્મદિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલના સહયોગથી પાટીલે 51 જેટલા અંગદાતા પરિવારોનું ભાવસભર સન્માન કરી તેમની અંગદાન થકી અન્યોને ઉપયોગી થવાની ઉમદા ભાવનાને નતમસ્તક વંદન કર્યા હતા.

પાટીલે અંગદાતા પરિવારોને રૂબરૂ મળી, હાથ જોડી નતમસ્તક થઈ અભિવાદન કર્યું હતું અને સ્મૃતિભેટ અર્પણ કરી તેમનો ઋણ સ્વીકાર કરતા તેમણે જણાવ્યું હતું કે, અંગદાન એ મહાદાન છે. જ્યારે પરિવારનો કોઈ સભ્ય 'બ્રેન ડેડ' જાહેર થાય ત્યારે તે અત્યંત દુઃખદ અને કપરી પરિસ્થિતિ હોય છે. આવી સ્થિતિમાં પણ જે પરિવારોએ ધૈર્ય રાખીને પોતાના સ્વજનના અંગોનું દાન કરવાનો કઠોર અને માનવીય નિર્ણય લીધો છે, તેઓ ખરા અર્થમાં વંદનીય છે. તેમના આ નિર્ણયથી કોઈને હૃદય, કોઈને કિડની તો કોઈને લીવર પ્રાપ્ત થયું છે અને અનેક પરિવારોના દીપ બુઝાતા બચ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમાજમાં અંગદાન પ્રત્યે જનજાગૃતિ આવે તે આજના સમયની માંગ છે. તેમણે આ સેવાયજ્ઞમાં જોડાયેલી નવી સિવિલની મેડિકલ ટીમ અને સ્વયંસેવકોની કામગીરીને પણ બિરદાવી હતી.

રાજ્યમાં અંગદાન પ્રવૃત્તિઓને જનઆંદોલન બનાવનાર, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હંમેશા પોતાનો જન્મદિવસ લોકઉપયોગી કાર્યો દ્વારા જ ઉજવે છે. અંગદાતા પરિવારોને નાનકડી ભેટ સાથે આત્મીયભાવથી સન્માન કરીને તેમણે સમાજને સંદેશ આપ્યો છે કે દરેક વ્યક્તિએ પોતાના જન્મદિન, એનિવર્સરી જેવા વિશેષ દિવસોની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓથી કરવી જોઈએ જેથી જરૂરિયાતમંદોને સાચી મદદ મળી શકે.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર નિર્મલા કાથુડે સહિતના મહાનુભાવો, તબીબી ટીમ અને અંગદાતા પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ તમામ પરિવારોએ પાટીલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande