
નવસારી, 15 માર્ચ (હિ.સ.) : નવસારીના વિજલપોર વિસ્તારમાં 13 માર્ચની સવારે એક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલક રમાકાંત ગંગારામ સોનકર (ઉ.વ. 36) કામ માટે છાપરા રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે જીવંતિકા માતાના મંદિર નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પાછળથી આવી રહેલી વેગનઆર કારએ તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે તેઓ રોડ પર પટકાયા અને હાથ-પગ તથા કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી.
અકસાનત બાદ રાહદારીઓ ઈજાગ્રસ્તને મદદ કરી રહ્યા હતા ત્યારે કારમાંથી ઉતરેલા બે યુવકોએ મદદ કરવાની જગ્યાએ ઉશ્કેરાટ દેખાડ્યો હતો. આરોપીઓએ એક્ટિવા ચાલકને ગાળાગાળી કરી અને કારને નુકસાન થયું હોવાનું કહી જાહેરમાં તમાચા તથા ઢીકમુક્કીથી માર માર્યો હતો.
આરોપીઓએ ઈજાગ્રસ્તને રસ્તાની સાઈડમાં લઈ જઈ ફરી મારપીટ કરી અને કારના નુકસાનના પૈસા માંગ્યા હતા. પૈસા ન હોવાને કારણે તેઓએ પીડિતનું નામ અને મોબાઈલ નંબર લઈને ત્યાંથી નીકળી ગયા હતા.
પછી ઈજાગ્રસ્તે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી અને સ્વસ્થ થયા બાદ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી પૂરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જવો, ગાળાગાળી અને મારપીટ કરવાના ગુનામાં બંને આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે