
મહેસાણા, 15 માર્ચ (હિ.સ.)
મહેસાણા તાલુકાના ગોકળગઢ ગામ ખાતે નવા શેડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોર ખાસ હાજર રહ્યા હતા. ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં ધારાસભ્યના હસ્તે શેડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સુખાજી ઠાકોરે જણાવ્યું હતું કે ગામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને ગામડાઓમાં આવશ્યક સુવિધાઓ ઉભી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ગોકળગઢ ગામમાં બનનાર આ શેડ ગ્રામજનો માટે ઉપયોગી સાબિત થશે અને વિવિધ સામાજિક તથા જાહેર કાર્યક્રમો માટે સગવડરૂપ બનશે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સુખાજી ઠાકોરે ગામના અગ્રણીશ્રીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કરી ગામના વિકાસ અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. માર્ગ-મકાન, પાણી, સ્વચ્છતા સહિતના પ્રશ્નો અંગે ગ્રામજનોએ પોતાની રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ યોગ્ય નિરાકરણ લાવવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગામના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR