
મહેસાણા,15 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લા પંચાયત ખાતે મહેસાણા જિલ્લામાં કાર્યરત ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ ગેસ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં એલપિજિ ગેસ સિલિન્ડરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી અને ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવાનો હતો.
આ બેઠક દરમિયાન અધિકારીઓ દ્વારા ગેસ એજન્સી ધારકો સાથે ગેસ સિલિન્ડરના વિતરણ, સ્ટોકની સ્થિતિ તથા ગ્રાહકોને સમયસર સેવા ઉપલબ્ધ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જિલ્લામાં એલપિજિ ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ગ્રાહકોને કોઈપણ પ્રકારની અછતનો સામનો કરવો ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિયમિત અને પારદર્શક રીતે ગેસ સિલિન્ડર પહોંચાડવા માટે સૂચનાઓ પણ આપી હતી. સાથે સાથે ગેસ બુકિંગ અને હોમ ડિલિવરીની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે ગેસ સિલિન્ડર અંગે કોઈ સમસ્યા હોય તો સંબંધિત એજન્સી અથવા તંત્રનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન મેળવવું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR