ગાંધીનગરને સ્વચ્છ રાખવા GMCનો નવતર અભિગમ: 'સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬' અંતર્ગત, હોમ કમ્પોસ્ટિંગ વર્કશોપ યોજાયો
ગાંધીનગર, 15 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાના મક્કમ નિર્ધાર સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬’ ના ભાગરૂપે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. માનનીય નાયબ મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગ
Gmc


ગાંધીનગર, 15 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાના મક્કમ નિર્ધાર સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬’ ના ભાગરૂપે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. માનનીય નાયબ મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ “કમ્પોસ્ટિંગ સહેલું છે! કરીને તો જુઓ!” અભિયાન અંતર્ગત હોમ કમ્પોસ્ટિંગ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને ઘરના ભીના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી તેમાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

વર્કશોપ દરમિયાન સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર પલ્લવીબેન સિંઘ દ્વારા ઉપસ્થિત રહેવાસીઓ અને મહિલા મંડળોને હોમ કમ્પોસ્ટિંગનું જીવંત નિદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ સરળ પદ્ધતિથી રસોડાના કચરામાંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર કેવી રીતે બનાવી શકાય તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ તકે કોર્પોરેશન દ્વારા નાગરિકોને પ્રોત્સાહિત કરતા જણાવાયું હતું કે, નાગરિકો GMCની નર્સરીમાંથી કિફાયતી ભાવે છોડની ખરીદી કરી આ ઘરે બનાવેલા ખાતરનો ઉપયોગ કરી પોતાનો બગીચો મહેકાવી શકે છે.

આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનરએ જનભાગીદારી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જો દરેક નાગરિક પોતાના ઘરના ભીના કચરાને કમ્પોસ્ટિંગ દ્વારા ખાતરમાં રૂપાંતરિત કરે, તો ડમ્પિંગ સાઈટ પર મોકલવામાં આવતા કચરાના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આગામી ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬’ માં ગાંધીનગરને દેશભરમાં અગ્રેસર રાખવા માટે દરેક પરિવારનું યોગદાન અનિવાર્ય છે.

આ વર્કશોપમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરની સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર (સેનિટેશન) સંદીપસિંહ ગોહિલ તથા સેનિટેશન વિભાગની ટીમ અને મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના વિવિધ સેક્ટરો અને સોસાયટીઓમાં પણ આ પ્રકારના જન-જાગૃતિના કાર્યક્રમોનું સઘન આયોજન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande