
મહેસાણા, 15 માર્ચ (હિ.સ.) : મહેસાણા તાલુકાના જગુદણ ગામ ખાતે નવનિર્મિત અને ભવ્ય “સરતાન ભા પ્રવેશદ્વાર”ના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓની હાજરીમાં આ ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે “સરતાન ભા પ્રવેશદ્વાર” માત્ર એક માળખું નથી, પરંતુ તે જગુદણ ગામની એકતા, ગૌરવ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. આ પ્રવેશદ્વાર ગામના ઇતિહાસ અને પરંપરાને યાદ અપાવે છે તેમજ ગામની ઓળખને વધુ મજબૂત બનાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા વિકાસકાર્યો ગામના સૌંદર્યમાં વધારો કરે છે અને ગ્રામજનોમાં ગૌરવની ભાવના પણ ઊભી કરે છે. ગામના વિકાસ માટે સરકાર તથા સ્થાનિક આગેવાનો સતત પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ આવા અનેક વિકાસકાર્યો કરવામાં આવશે.
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો દ્વારા ધારાસભ્ય મુકેશ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR