
મહેસાણા,15 માર્ચ (હિ.સ.)
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને મોટી રાહત આપતી મહત્વપૂર્ણ યોજના અમલમાં મુકવામાં આવી છે. વર્ષ 2026 માટે મિલકત વેરા (Property Tax) અને પ્રોફેશનલ ટેક્ષની બાકી રકમ પર વ્યાજ અને પેનલ્ટી માફી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ નાગરિકોને બાકી કર ચુકવવામાં પ્રોત્સાહિત કરવાનો તેમજ કોર્પોરેશનની આવક વધારવાનો છે.
મહેસાણા શહેરમાં ઘણા નાગરિકોની મિલકત વેરા અને પ્રોફેશનલ ટેક્ષની બાકી રકમ લાંબા સમયથી બાકી છે. આવા નાગરિકોને રાહત આપવા માટે કોર્પોરેશન દ્વારા ખાસ યોજના અમલમાં મુકાઈ છે, જેના અંતર્ગત બાકી રકમ ભરપાઈ કરનારાઓને વ્યાજ અને દંડ (પેનલ્ટી)માંથી છૂટ આપવામાં આવશે. જેના કારણે કરદાતાઓને નોંધપાત્ર આર્થિક રાહત મળશે.
કોર્પોરેશન તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જેમની મિલકત વેરા અથવા પ્રોફેશનલ ટેક્ષની બાકી રકમ છે તેઓ સમયમર્યાદા પહેલાં તેનો નિકાલ કરી લે. આ યોજનાનો લાભ લેવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ, 2026 નક્કી કરવામાં આવી છે. સમયમર્યાદા બાદ ફરીથી નિયમ મુજબ વ્યાજ અને પેનલ્ટી લાગુ પડશે.
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઓનલાઇન તેમજ ઓફલાઇન બંને રીતે ટેક્ષ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી લોકો સરળતાથી પોતાની બાકી રકમ ભરપાઈ કરી શકે. સાથે સાથે કોર્પોરેશનના સંબંધિત વિભાગોમાં પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજના નાગરિકો માટે સારો અવસર છે. તેથી તમામ કરદાતાઓએ સમયસર બાકી ટેક્ષ ભરપાઈ કરીને વ્યાજ અને પેનલ્ટી માફીની આ ખાસ યોજનાનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR