
મહેસાણા, 15 માર્ચ (હિ.સ.) : આજરોજ વડનગર શહેર અને વડનગર તાલુકા ભાજપ સંગઠનની પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠક મહેસાણા જિલ્લાના જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં શહેર અને તાલુકા ભાજપના કાર્યકરો, હોદ્દેદારો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગરે કાર્યકરો અને હોદ્દેદારો સાથે પરિચય કર્યો હતો તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંગઠનના દરેક કાર્યકરની મહેનત અને સમર્પણના કારણે ભાજપ સતત મજબૂત બનતું ગયું છે. કાર્યકરોએ પાર્ટીના સિદ્ધાંતો અને વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ.
બેઠક દરમિયાન વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બૂથ સ્તર સુધી સંગઠનને મજબૂત બનાવવું, કાર્યકરોને સક્રિય બનાવવું તેમજ આવનારા કાર્યક્રમોને સફળ બનાવવા માટે આગેવાનો વચ્ચે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. સાથે સાથે સરકાર દ્વારા અમલમાં મુકાતી જનકલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવા માટે કાર્યકરોને સક્રિય બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ અવસરે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ પોતાના વિચારો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રભારી દ્વારા તમામ કાર્યકરોને એકતા સાથે સંગઠનના કાર્યને આગળ વધારવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
બેઠકમાં ઉપસ્થિત તમામ કાર્યકરોને સંગઠનના કાર્યક્રમોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR