
પાટણ, 16 માર્ચ (હિ.સ.)ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત પાટણ જિલ્લોના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. તેમણે ચાણસ્મા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું અને પીપળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ સુરાણી વાડી ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.
કાર્યકર્તા સંમેલનને સંબોધતા વિશ્વકર્માએ સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્યની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ચાણસ્માના ધારાસભ્યએ વિધાનસભામાં વિસ્તારના કોઈ પ્રશ્નો ઉઠાવ્યા નથી અને કાર્યકર્તાઓને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા અપીલ કરી હતી.
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, લગભગ 60 વર્ષ સુધી દેશ પર શાસન કરનાર પક્ષે મહિલાઓ માટે શૌચાલય જેવી મૂળભૂત સુવિધા અંગે ક્યારેય વિચાર કર્યો નહોતો. તેમણે કોંગ્રેસને વિઝન વગરનો પક્ષ ગણાવ્યો અને તેના સંગઠન પર પણ કટાક્ષ કર્યો હતો.
વિશ્વકર્માએ ભારતીય જનતા પાર્ટી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સરકારે ઘરે-ઘરે શૌચાલય, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ, ગરીબોને પાકા ઘર અને મફત અનાજ જેવી યોજનાઓ અમલમાં મૂકી છે તેમજ સરદાર સરોવર બંધમાંથી કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ પણ ભાજપ શાસનમાં થયું છે.
તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે આજે ભારતનો વિકાસ વિશ્વભરમાં ઓળખાઈ રહ્યો છે. કાર્યક્રમના અંતે તેમણે કાર્યકર્તાઓને સંગઠન મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય સુનિશ્ચિત કરવા માટે સક્રિય બનવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ