

પાટણ, 16 માર્ચ (હિ.સ.)પાટણ અને સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળી લિમિટેડના 50 વર્ષ પૂર્ણ થતા પાટણના ખોડાભા હોલ ખાતે સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સન્માનથી કરવામાં આવી હતી.
આ અવસરે મંડળીના વિકાસમાં પાયાનું યોગદાન આપનાર ભૂતપૂર્વ પ્રમુખો, મંત્રીઓ, કારોબારી સભ્યો તેમજ વર્તમાન હોદ્દેદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સગોડિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરીને કાર્યક્રમને રોચક બનાવ્યો.
જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલે મંડળીની પ્રગતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે 1974માં માત્ર 5000 રૂપિયાના ધિરાણથી શરૂ થયેલી મંડળી આજે સભાસદોને 25 લાખ રૂપિયા સુધીનું ધિરાણ પૂરું પાડે છે.
રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રી જૈમીનભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ સતીશભાઈ પટેલે મંડળીના પારદર્શક વહીવટની પ્રશંસા કરી. તેમણે શિક્ષકોના પેન્શન, મેડિકલ સહાય અને અન્ય પડતર પ્રશ્નો અંગે ચાલી રહેલી રજૂઆતો અંગે પણ માહિતી આપી.
હાલમાં મંડળી દ્વારા સભાસદોને 8.75 ટકા વ્યાજે 25 લાખ સુધીની લોન, 5 લાખનો અકસ્માત વીમો અને 2 લાખની મૃત્યુ સહાય આપવામાં આવે છે. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા, રજીસ્ટ્રાર એસ. એન. ઝાલા સહિત અનેક અધિકારીઓ અને શિક્ષક આગેવાનો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ