કાલોલ તાલુકાના વેજલપુર પાસે 4 વાહન વચ્ચેની ભીષણ ટક્કરે ટીઆરબી જવાન સહિત બેના મોત
અમદાવાદ,17 માર્ચ (હિ.સ.) ગુજરાતના સ્ટેટ હાઈવે પર ગઈકાલની રાત કાળમુખી સાબિત થઈ છે. ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે કન્ટેનર, આઈશર, ટ્રેલર અને એક વાન સહિત કુલ ચાર વાહનો વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં એક GRD જવાન અને વાન ચ
કાલોલ તાલુકાના વેજલપુર પાસે 4 વાહન વચ્ચેની ભીષણ ટક્કરે ટીઆરબી જવાન સહિત બેના મોત


અમદાવાદ,17 માર્ચ (હિ.સ.) ગુજરાતના સ્ટેટ હાઈવે પર ગઈકાલની રાત કાળમુખી સાબિત થઈ છે. ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે કન્ટેનર, આઈશર, ટ્રેલર અને એક વાન સહિત કુલ ચાર વાહનો વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં એક GRD જવાન અને વાન ચાલકનું મોત નીપજ્યું છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.

ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે કન્ટેનર, આઈશર, ટ્રેલર અને એક વાન સહિત કુલ ચાર વાહનો વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં એક GRD જવાન અને વાન ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે લુણાવાડાના 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, લુણાવાડાનો એક પરિવાર વાનમાં સવાર થઈને વેજલપુરથી ગોધરા તરફ જઈ રહ્યો હતો.

આ દરમિયાન વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે એકાએક ચાર વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં ફરજ પર તૈનાત જીઆરડી જવાન જગદીશ બારિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે વાન ચાલક અશરફ પઠાણને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું.

અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વાનમાં ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં લુણાવાડાના પરિવારના ચાર બાળકો, ચાર મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે.

તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એકની હાલત અત્યંત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.

હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વેજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande