
ભાવનગર 16 માર્ચ (હિ.સ.) ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ દિનેશ વર્મા દ્વારા જેતલસર, જૂનાગઢ અને સોમનાથ રેલવે સ્ટેશનો તથા સંબંધિત રેલખંડનું વ્યાપક નિરીક્ષણ કરવામાં આવ્યું. આ નિરીક્ષણ કાર્યક્રમ હેઠળ તેમણે ધોળા, જેતલસર જંકશન, વડાલ, કેશોદ, માલિયા હાટીના, આદ્રી રોડ, જૂનાગઢ, વેરાવળ અને સોમનાથ રેલવે સ્ટેશનોની મુલાકાત લઈને રેલ પરિચાલન, સંરક્ષા વ્યવસ્થા અને મુસાફરોની સુવિધાઓનું વિગતવાર અવલોકન કર્યું.
નિરીક્ષણ દરમિયાન જેતલસર સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની યોજના તેમજ સ્ટેશનના ભાવિ પુનર્વિકાસ (રીડેવલપમેન્ટ) અંગે મંડળ રેલ પ્રબંધકે મંડળના શાખા અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી. સાથે જ સોમનાથ સ્ટેશનના મેજર રીડેવલપમેન્ટ સંબંધિત ચાલી રહેલા પ્રગતિ કાર્યોનું નિરીક્ષણ કરી કામોમાં ઝડપ લાવવા માટે સૂચનાઓ આપી.
મંડળ રેલ પ્રબંધકે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ (GHCL) ના અધિકારીઓ સાથે બેઠક કરી વેરાવળથી સવની સુધી બ્રોડ ગેજ લાઇન દ્વારા કનેક્ટિવિટી સ્થાપિત કરવાની બાબતે વિચાર-વિમર્શ કર્યો.
ધોળા સ્ટેશન પર પ્રસ્તાવિત નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ અંગે પણ સ્થળ પર જઈ તેની વ્યવહારિકતા (ફિઝિબિલિટી)નું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ ઉપરાંત વેરાવળ યાર્ડને વધુ આધુનિક અને વિકસિત બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓને સૂચના આપી કે તમામ વિકાસ કાર્યો નિર્ધારિત ગુણવત્તા ધોરણો અને સુરક્ષા નિયમોનું સંપૂર્ણ પાલન કરીને સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી રેલ પરિચાલન ક્ષમતા વધે અને મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.
નિરીક્ષણ કાર્યક્રમ હેઠળ મંડળ રેલ પ્રબંધકે જેતલસર જંકશનથી સોમનાથ વચ્ચે આવેલા સ્ટેશનોનું વિશેષ સંરક્ષા નિરીક્ષણ પણ કર્યું. આ દરમિયાન ટ્રેકની રચના, સિગ્નલિંગ સિસ્ટમ, પ્લેટફોર્મ વ્યવસ્થા, મુસાફરોની સુવિધાઓ અને સંરક્ષા વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા.
તેમના નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓ અને કર્મચારીઓને સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની, સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા જાળવવાની તેમજ મુસાફરોની સુવિધાઓમાં સતત સુધારો લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પર વિશેષ ભાર મુક્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ