ગુજરાતમાં આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ
સુરેન્દ્રનગર,17 માર્ચ (હિ.સ.) હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને આગામી 18 માર્ચ થી 21 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીના પગલે ખેતીવાડી વિભાગ, જિલ્લા પંચાયત, સુરેન
ગુજરાતમાં આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ


સુરેન્દ્રનગર,17 માર્ચ (હિ.સ.) હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને આગામી 18 માર્ચ થી 21 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીના પગલે ખેતીવાડી વિભાગ, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા ખેડૂતોને પાક રક્ષણ માટે આગોતરા સાવચેતીના પગલાં લેવા ખાસ ખેડૂત જોગ સંદેશ પાઠવવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લામાં હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી જોઈએ. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જઈ નુકસાન ન કરે.

આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા તેમજ બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા જણાવાયું છે.

ખેડૂતોની સાથે સાથે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂત મિત્રોને પણ સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે.

એ.પી.એમ.સી.માં રહેલા અનાજ અને ખેતપેદાશોને શેડ નીચે અથવા સુરક્ષિત રીતે ઢાંકીને રાખવા જોઈએ. વધુમાં, વરસાદની આગાહીવાળા દિવસો દરમિયાન વેચાણ અર્થે પાકને યાર્ડમાં લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા સાથે જ લાવવો.

ખેતીવાડીને લગતી વધુ જાણકારી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતપોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. અગમચેતી એ જ સલામતી ના મંત્રને અનુસરીને ખેડૂતોને નુકસાનથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande