


પોરબંદર, 16 માર્ચ (હિ.સ.)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગામી 19 માર્ચના રોજના સંભવિત પોરબંદર પ્રવાસ દરમિયાન તાજાવાલા હોલ ખાતે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. આ સંભવિત કાર્યક્રમના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ - ખાતમુહૂર્ત સહિતના તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરએ તાજાવાલા હોલ ખાતે કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, સ્વાગત, પ્રોટોકોલ મુજબ સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને સ્વચ્છતા સહિતના પાયાના મુદ્દાઓ પર ગહન સમીક્ષા કરી હતી. વધુમાં, કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સમગ્ર આયોજન દરમિયાન આરોગ્ય સુવિધાઓ સજ્જ રાખવા અને તમામ વ્યવસ્થાઓ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાધીને સોંપાયેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ અમલીકરણ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya