
પાટણ, 16 માર્ચ (હિ.સ.)સાંતલપુર તાલુકામાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NADCP) હેઠળ ખુરવા-મોવાસા (FMD) રોગ નિયંત્રણ માટે વિશેષ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 1 માર્ચથી 15 એપ્રિલ સુધી તાલુકાના તમામ ગામોમાં ચાલુ રહેશે. પશુપાલન વિભાગ દ્વારા તમામ પશુપાલકોને પોતાના પશુઓનું રસીકરણ કરાવવા અપીલ કરવામાં આવી છે.
આ અભિયાનના ભાગરૂપે 16 માર્ચે વારાહી સ્થિત જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભીડ ભંજન હનુમાનજી ગૌશાળામાં FMD રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ પાટણ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમમાં સાંતલપુરના મામલતદાર ડી.ડી. પંડ્યા, મદદનીશ પશુપાલન નિયામક ડૉ. એસ.એન. જોષી અને પશુચિકિત્સા અધિકારી ડૉ. રાજેશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. સરકારી પશુધન નિરીક્ષકો અને બનાસ ડેરીના કર્મચારીઓએ ગૌશાળાની ગાયોને FMD સામે રસીકરણ કર્યું હતું, જેમાં ગૌશાળાના ટ્રસ્ટીઓ અને સ્ટાફે સહકાર આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ