રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે વર્ષ 2026-27માં વધુ 430 હેક્ટરમાં ‘વન કવચ’ નિર્માણનો લક્ષ્યાંક: અર્જુન મોઢવાડિયા
- રાજ્યમાં છેલ્લાં 12 વર્ષમાં વનવિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં 47.18 ટકાનો નોંધપાત્ર વધારો - ગુજરાત વન્યજીવ સંરક્ષણમાં અગ્રેસર: રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ - કચ્છના બન્નીમાં આકાર લેશે દેશનું અત્યાધુનિક ''ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટ
કચ્છના બન્નીમાં આકાર લેશે દેશનું અત્યાધુનિક ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર


- રાજ્યમાં છેલ્લાં 12 વર્ષમાં વનવિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં 47.18 ટકાનો નોંધપાત્ર વધારો

- ગુજરાત વન્યજીવ સંરક્ષણમાં અગ્રેસર: રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ

- કચ્છના બન્નીમાં આકાર લેશે દેશનું અત્યાધુનિક 'ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર'

- મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાત પણ બન્યું 'ટાઈગર સ્ટેટ': રતનમહાલમાં વાઘનું આગમન

- કચ્છનું ‘છારી-ઢંઢ’ બન્યું રાજ્યની પાંચમી રામસર સાઈટ, જૈવ-વૈવિધ્યની વૈશ્વિક ઓળખ મજબૂત બની

ગાંધીનગર, 16 માર્ચ (હિ.સ.) : વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગના વર્ષ 2026-27 માટેની અંદાજપત્રીય માગણીઓ વિશે અને આગામી આયોજન વિશે વાત કરતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાત વન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં મજબૂત અને મોખરે છે.

આ અંગેની આંકડાકીય વિગતો આપતાં તેમણે જણાવ્યું કે રાજ્યનો કુલ વન વિસ્તાર 21876.45 ચો.કિમી છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા જેટલો થાય છે. વન વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત દેશમાં 11 મો ક્રમ ધરાવે છે. ખાસ કરીને, વન વિસ્તાર બહાર વૃક્ષોની સંખ્યામાં વર્ષ 2013 ની સરખામણીએ વર્ષ 2025 સુધીમાં 47.18 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

ફોરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયાના વર્ષ 2023 ના અહેવાલ મુજબ ગુજરાતમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તાર - 6632.29 ચો.કિમી છે.

સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘Lion @2047’ A Vision for Amrutkal’ વિશે વાત કરતાં વનમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે 2927.97 કરોડનો સંકલિત પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે.

જેસર અને પાલિતાણા વિસ્તારમાં સિંહ અને દીપડા વસવાટ કરે છે ત્યારે મંત્રીએ વન વિભાગની વિશેષ કામગીરીનો ઉલ્લેખ કરતાં ગૃહમાં કહ્યું હતું કે વિશ્વ પ્રસિદ્ધ જૈન તીર્થ, પાલિતાણા ખાતે શૈત્રુંજય પર્વતની યાત્રા સલામત રીતે પૂર્ણ કરવામાં સહયોગ બદલ વનવિભાગના કર્મયોગીઓનો જૈન અગ્રણીઓ- યાત્રીઓએ વિશેષ આભાર માન્યો હતો.

તેમણે ઉમેર્યું કે મે-2025 દરમિયાન 11 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલ 16 મી સિંહ વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 નોંધાઈ છે, જે વન્યજીવ સંરક્ષણની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ વસ્તીમાં 196 નર, 330 માદા, 140 પાઠડા અને 225 બચ્ચાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ ગણતરી દરમિયાન 35000 ચો.કિમી વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો, જે વર્ષ-2020 ના 30000 ચો.કિમી વિસ્તાર કરતાં ઘણો વધારે છે.

રાજ્યમાં વાઘના પુનઃસ્થાપન અંગે માહિતી આપતા જણાવ્યું કે ડાંગમાં પૂર્ણા વન્યજીવન અભયારણ્ય 25 વર્ષ પહેલાં વાઘનું ઘર હતું. ત્યાર બાદ ગત 23 ફેબ્રુઆરી,2025ના રોજ રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં પીપરગોટા ખાતે વાઘની હાજરી નોંધાઈ છે.

પરિણામે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે 'ટાઈગર સ્ટેટ' તરીકે માન્યતા આપવામાં આવી છે. વાઘના રહેઠાણ અને ખોરાકની સુરક્ષા (Prey Base) માટે વિભાગ દ્વારા રતનમહાલ અભયારણ્યમાં 22 ચિત્તલ અને 14 સાંભર જેવાં પ્રાણીઓને તબક્કાવાર મુક્ત કરવામાં આવ્યાં છે.

છેલ્લા સરવે મુજબ કચ્છના બન્નીનો વન વિસ્તાર 2497 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલો છે. જે એશિયાના મોટામાં મોટા ઘાસનાં મેદાનો છે. અહીં ચિત્તાના પુનઃસ્થાપન માટે ભારત સરકારની મંજૂરી સાથે 'ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર' સ્થાપવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 14.70 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આ સાથે જ, જાન્યુઆરી-2026માં કચ્છના ‘છારી-ઢંઢ’ કન્ઝર્વેશન રિઝર્વને ગુજરાતની પાંચમી રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવતાં ગુજરાત દેશમાં 23 ટકા સાથે સૌથી વધુ વેટલેન્ડ વિસ્તાર ધરાવતું રાજ્ય બન્યું છે. રાજ્યમાં કુલ આશરે 17000 થી વધુ વેટલેન્ડ નોંધાયેલા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે ઉદ્યોગોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે સુરત અને અમદાવાદમાં અમલી 'એમિશન ટ્રેડિંગ સ્કીમ' (ETS) પણ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

વન મંત્રીએ ગૌરવભેર કહ્યું કે વન-જંગલની જમીન પર પ્રવેશ કરવો હોય, તો કલેક્ટરે પણ વન વિભાગના અધિકારીઓની મંજૂરી લેવી પડે-આ આપણી વન સંરક્ષણની સંસ્કૃતિ છે, આ અધિકારો આપણી રાજ્ય સરકારે આપ્યા છે.

આમ, વન અને પર્યાવરણ વિભાગની વર્ષ 2026-27ની કુલ 2823.21 કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande