
- તબીબી ક્ષેત્રે વ્યક્તિગત બુદ્ધિમત્તા અને AI તથા ટેકનોલોજીનો સમન્વય હિતાવહ
અમદાવાદ, 16 માર્ચ (હિ.સ.) : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંચાલિત સ્કુલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા તાજેતરમાં આરોગ્ય પ્રબંધમ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના વિશેષ અવસરે આયોજિત આ કોન્કલેવનો મુખ્ય ઉદ્દેશ્ય તબીબી ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા સાથે આરોગ્ય ક્ષેત્રના સંચાલનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર પ્રકાશ પાડવાનો હતો.
કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જરે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં AI અને ટેકનોલોજીએ વિવિધ વિદ્યાશાખાઓમાં ક્રાંતિ લાવી છે. તેમણે આરોગ્ય ક્ષેત્રની ગતિવિધિઓને વધુ ઝડપી અને સચોટ બનાવવા માટે નવીન સંશોધનો અને મજબૂત નેતૃત્વના વિકાસ પર વિશેષ ભાર મૂક્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિકારી ડો.એ.એમ.કાદરીએ જણાવ્યું કે, સુધારેલી સંચાલન પદ્ધતિઓથી આરોગ્ય ક્ષેત્રની કાર્યક્ષમતામાં વધારો થાય છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ વર્ષ દરમિયાન થયેલા પરીક્ષણો અને શસ્ત્રક્રિયાઓના આંકડા રજૂ કરતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, AI અને ટેકનોલોજી આરોગ્ય નિષ્ણાતો માટે ઉત્તમ સહાયક બની શકે છે, પરંતુ તે ક્યારેય જીવંત નિષ્ણાતનું સ્થાન લઈ શકે નહીં. આ પ્રસંગે ગાહ (GAHA) ગુજરાતના ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ સર્જન ડો.વિરેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટેકનોલોજીના પ્રભાવ વિશે ચર્ચા કરી હતી.
કોન્કલેવના બીજા સત્રમાં પરંપરાગત આરોગ્ય સંચાલન અને આધુનિક ટેકનોલોજી આધારિત પદ્ધતિઓ વચ્ચેના તફાવત તેમજ તબીબી ક્ષેત્રે AI ના પ્રાયોગિક ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતભરના તબીબી નિષ્ણાતો, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર્સ અને અંદાજે ૧૫૦ જેટલા મેડિકલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે ૨૧મી સદીમાં માનવ બુદ્ધિમત્તા અને ટેકનોલોજીનું સંકલન જ આરોગ્ય ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે અનિવાર્ય છે. પ્રશ્નોત્તરી અને આભારવિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ