
પાટણ, 16 માર્ચ (હિ.સ.) : પાટણ શહેરના નીલમ સિનેમા નજીક 12 માર્ચે સ્વિફ્ટ કારમાં સવાર યુસુફખાન પઠાણ પર અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની હત્યા કરવામાં આવી હતી. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી, ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ, સાહિદ સાજીદ શેખ, ઇમરાનખાન મહમદખાન બલોચ અને એજાજ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો સહિત મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટએ બંને પક્ષોની દલીલો સાંભળી આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ