
અમરેલી, 16 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામ નજીક વાહન અકસ્માતમાં દીપડાનું મોત નીપજવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના જોઈ થેવાલયમ નામના ઇસમ દ્વારા ચાલતા વાહન સાથે અથડાતા દીપડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દીપડાનું મોત વાહન અકસ્માતને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગે ઘટના સાથે સંકળાયેલા વાહનને કબજે લઇ વડોદરાના જોઈ થેવાલયમ નામના ઇસમની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જંગલી પ્રાણીઓના સંરક્ષણ માટે કડક કાયદા લાગુ કરવામાં આવ્યા છે અને આવી ઘટનાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ વાહન ચાલકોને જંગલ વિસ્તાર અને ગ્રામ્ય માર્ગોમાં સાવચેતીથી વાહન હંકારવાની અપીલ પણ કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai