
મહેસાણા,16 માર્ચ (હિ.સ.) રોડ સેફ્ટી અંગે જાગૃતિ વધારવાના હેતુથી મહેસાણા આરટીઓ ટીમ દ્વારા ખેરવા કોલેજ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ઓટો રિક્ષા ડ્રાઇવરોને માર્ગ સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન આરટીઓ ટીમના અધિકારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવ્યું હતું. વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવી, ઓવર સ્પીડ ન કરવી તેમજ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મૂકાયો હતો. ઉપરાંત, ઓટો ડ્રાઇવરોને મુસાફરોની સુરક્ષા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સાથે રોડ સેફ્ટી અંગે વધુ માહિતી મળે તે માટે આરટીઓ ટીમ દ્વારા માહિતીપૂર્ણ પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને ઓટો ડ્રાઇવરોએ કાર્યક્રમમાં રસપૂર્વક ભાગ લીધો અને માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ જાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે સમજ વધારવી અને માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR