
મહેસાણા,16 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ)માં રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે આરટીઓ મહેસાણા ટીમ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થી વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં આરટીઓ વિભાગની ટીમે વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા ટ્રાફિક નિયમો, માર્ગ અકસ્માતોના કારણો તેમજ અકસ્માતોથી બચવા માટે કઈ રીતે સાવચેત રહેવું તેની વિસ્તૃત સમજ આપી હતી. ખાસ કરીને હેલ્મેટ પહેરવાની જરૂરિયાત, વાહન ચલાવતા સમયે મોબાઇલનો ઉપયોગ ન કરવો, સીટ બેલ્ટ બાંધવી અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂકાયો હતો.
આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ વધે તે હેતુથી આરટીઓ ટીમ દ્વારા માહિતીપૂર્ણ પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગ સુરક્ષા અંગેના નિયમોને અનુસરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવી માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો હતો. આરટીઓ મહેસાણા ટીમે આવી જાગૃતિ અભિયાનો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR