
અમદાવાદ,16 માર્ચ (હિ.સ.) વિરમગામમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેલો ભારત અભિયાનને ગ્રામીણ સ્તરે વધુ મજબૂતી આપવાના હેતુથી આયોજિત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગથી તથા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના આયોજન હેઠળ શરૂ થયેલી આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્યમંત્રી કૌશિક વેકરીયા અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તથા વડોદરાના સાંસદ હેમાંગ જોશીના હસ્તે વિરમગામ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેલો ભારત અભિયાનને ગામડાં સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે વિરમગામ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારની કુલ 120 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
આ ટુર્નામેન્ટ દ્વારા વિરમગામના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધશે તેમજ ક્રિકેટના માધ્યમથી સામાજિક એકતા વધુ મજબૂત બનશે અને વિકસિત વિરમગામના સંકલ્પને પણ બળ મળશે.
આ અવસરે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે આ પ્રકારનું આધુનિક આયોજન કરીને યુવાનોને રમતગમત માટે ઉત્તમ પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે, જે યુવાનોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરશે અને સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવશે.
આ પ્રસંગે વિરમગામ વિધાનસભાના યુવાનોને પ્રોત્સાહન આપવા ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરત પંડ્યા, સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુ શિહોરા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, કનુ કોળી પટેલ, પી.કે.પરમાર સહિત જિલ્લા ભાજપના આગેવાનો, વિધાનસભાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટના પ્રારંભ સાથે વિરમગામમાં ક્રિકેટનો રંગ જામ્યો છે અને યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ