

પાટણ, 16 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. સોમવારથી શરૂ થયેલા આ બે દિવસીય પરંપરાગત લોકમેળામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ગામમાં ભારે ભીડ જોવા મળી હતી. પાટણ ઉપરાંત અમદાવાદ, સુરત અને મુંબઈથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા.
ગામના પટેલ મહોલ્લામાંથી સવારે વેલડા જોડીને વાજતે ગાજતે રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. મંદિરમાં આરતી બાદ માતાજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરી ગામમાં ફેરવવામાં આવી હતી. ભક્તોએ અબીલ-ગુલાલ, ચોખા અને ફૂલોની વર્ષા કરીને માતાજીનું ભાવભીનુ સ્વાગત કર્યું હતું.
ગામમાં ફરીને રથયાત્રા તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં માતાજીનો રાતવાસો રહેશે. શ્રદ્ધાળુઓ, ખાસ કરીને મહિલાઓ, વિવિધ માનતાઓ પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં દર્શને આવી હતી અને શ્રદ્ધાપૂર્વક માતાજીને નમન કર્યું હતું.
મેળામાં બાળકો માટે ચગડોળ, ચકરડી અને વિવિધ રાઈડ્સ ગોઠવવામાં આવી હતી. ખાણી-પીણીના સ્ટોલ પણ ધમધમ્યા હતા અને મોતના કૂવા પાસે સ્ટંટ જોવા લોકોની ભીડ જામી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરસ્વતી તાલુકા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ