
- ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ: વર્ષ 2026-27 માટે 429 કરોડની જોગવાઈ
- ગ્રીન ગુજરાતનો સંકલ્પ: પવન ઊર્જા અને સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ
- નેટ-ઝીરો @2047 તરફ ગુજરાતના મક્કમ ડગ: 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય
ગાંધીનગર, 16 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ક્લાયમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યાઓના નિવારણ માટે મક્કમતાથી આગળ વધી રહી છે. ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરીને વર્ષ 2026-27 માટે 429 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમ વર્ષ 2026-27 માટે ક્લાયમેટ ચેન્જ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ગુજરાત - ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં ક્લાયમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ શરૂ કર્યો. જેના કારણે ગુજરાત આ વિભાગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય તરીકે પર્યાવરણીય સંરક્ષણમાં નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે.
‘माता भूमिः पुत्रोऽहम् पृथिव्याः’ ‘પૃથ્વી આપણી માતા છે, અને આપણે તેના બાળકો છીએ.’
મંત્રીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલી પ્રકૃતિના સંરક્ષણના વિચારને વરેલી રાજ્ય સરકાર વર્ષ 2047 સુધીમાં નેટ-ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કટિબદ્ધ છે. આ દિશામાં ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં હાલમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 15,197 મેગાવોટ અને સૌર ઊર્જાની ક્ષમતા 27,486 મેગાવોટ પર પહોંચી છે. આમ, કુલ 44,196 મેગાવોટની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
પર્યાવરણ સુરક્ષામાં ટેકનોલોજીના ઉપયોગ અંગે માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું કે 'ગુજરાત ક્લાઈમેટ એક્શન ટ્રેકર' પોર્ટલ દ્વારા દેશનું પ્રથમ જિલ્લાસ્તરીય ક્લાઈમેટ એક્શન ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને સ્વચ્છ મોબિલિટીનો ડેટા પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવી નાગરિકો અને સંશોધકોને ડેટા આધારિત નિર્ણય લેવા સક્ષમ બનાવવામાં આવ્યા છે. રાજ્યની સરકારી ઇમારતોને સૌર ઊર્જાથી સજ્જ કરવાની ઝૂંબેશ હેઠળ અત્યાર સુધીમાં 5377 ઇમારતો પર 87 મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે.
વધુમાં, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2015 થી શરૂ કરાયેલ સબસિડી યોજના હેઠળ અત્યાર સુધી 56000 થી વધુ વિદ્યાર્થીઓને 63 કરોડની સીધી સહાય પૂરી પાડવામાં આવી છે. ત્રિ-ચક્રી વાહનો માટે પણ 48000 પ્રતિ વાહન સબસિડી આપવામાં આવે છે, જેનો લાભ હજારો નાગરિકોએ લીધો છે.
ગ્રામીણ અને સંસ્થાકીય સ્તરે ઊર્જાની બચત માટે 669 થી વધુ બાયોગેસ પ્લાન્ટ અને 10,817 થી વધુ સુધારેલી સ્મશાનભઠ્ઠીઓ સ્થાપવામાં આવી છે, જે લાકડાના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
આ ઉપરાંત, આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે 22.92 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાની સોલાર વોટર હીટિંગ સિસ્ટમ કાર્યરત છે, જે પ્રદૂષણ ઘટાડવા સાથે વીજળીની બચત પણ કરે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મિશન LiFE અંતર્ગત જનજાગૃતિ લાવવા માટે કલેક્ટરશ્રીઓ મારફત જિલ્લા સ્તરે ગ્રાન્ટ ફાળવીને કામગીરી કરવામાં આવી રહી છે. પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર 19 વ્યક્તિઓ અને સંસ્થાઓને ગત વર્ષે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આમ, ક્લાયમેટ ચેન્જ વિભાગની વર્ષ 2026-27 માટેની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ