
સુરત, 17 માર્ચ (હિ.સ.): સુરતના કોસાડ વિસ્તારમાં આવેલ ગણેશ રેસિડેન્સીમાં આજે એક ઘટનાને કારણે થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. ચોથા માળે આવેલા ફ્લેટમાં એક વર્ષનો બાળક અને બે વર્ષની બાળકી રૂમમાં બંધ થઈ જતા પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો.
માહિતી મુજબ, કુલદીપભાઈ સિંઘવીના બંને સંતાનો રમતા રમતા રૂમનો દરવાજો અંદરથી લોક થઈ જતા અંદર ફસાઈ ગયા હતા. બંને બાળકો ડરના કારણે રડવા લાગ્યા, જેના અવાજ સાંભળીને માતા-પિતા ખુબજ ચિંતિત થઈ ગયા હતા.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ટીમ ઘટનાસ્થળે ઝડપથી પહોંચી અને દરવાજો ખોલવા માટે જરૂરી સાધનો સાથે બચાવ કામગીરી શરૂ કરી હતી.
ફાયર અધિકારીઓએ સ્પ્રેડર ટૂલની મદદથી અંદાજે 15 મિનિટમાં દરવાજો તોડી બંને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બાળકોને સલામત જોઈને પરિવારજનોને મોટી રાહત મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે