
જામનગર, 17 માર્ચ (હિ.સ.) : જામનગર વીજ વિભાગની વર્તુળ કચેરી દ્વારા જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ચ-2026 દરમિયાન વીજબીલ પેટે બાકીદાર 58,915ની બાકી રૂા. 28.57 કરોડની વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ છે.જેમાં ગત 25મી ફેબ્રુઆરી બાદ કાલે 17મી માર્ચના રોજ ફરી મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.જેમાં વર્તમાન સ્થિતિએ હાલારના 42,622 બાકીદારોની લેણી રકમ રૂા. 20.35 કરોડની વસુલાત અંગે કામગીરી અંતર્ગત બંને જિલ્લાની 36 પેટા વિભાગીય કચેરીઓની જુદી જુદી 360 ટીમો આજે સઘન ડ્રાઇવ હાથ ધરશે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષના માર્ચ માસ દરમિયાન બાકીદારો પાસેથી વીજ બીલની વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેમાં જામનગર અને દેવભૂમિ જિલ્લાના કુલ 58,915 બાકીદારો પાસેથી રૂા. 28.57 કરોડની વસુલાત માટે વીજ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઇ છે.
જેમાં માર્ચ દરમિયાન કુલ 15,374 બાકીદારો દ્વારા વીજબીલ પેટે રૂા. 6.60 કરોડ ભરપાઇ કરી અપાયા હતા.જયારે 919 ગ્રાહકો દ્વારા વીજબીલ પેટે બાકી લેણા રૂા. 1.62 કરોડ ભરપાઇ ન થતા તેઓના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા.જે સાથે હજુ બાકી રહેતા 42,622 બાકીદારો પાસેથી રૂા. 20.35 કરોડ જેવી રકમની વસુલાત માટે મંગળવારથી ફરી મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હાથ ધરાશે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 36 પેટા વિભાગીય કચેરીઓમાં ડીસ કનેકશન કામગીરી માટે ખાસ 360 ટીમો તૈયાર કરવામાં આવી છે. જે સાથે ચાલુ માસમાં રકમ ભરપાઇ ન કરાય તો નિયમોનુસાર વીજ જોડાણ રદ કરવામાં આવશે એમ સુત્રોએ જણાવ્યુ છે. ગત ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહ બાદ માર્ચ માસના ત્રીજા સપ્તાહમાં વીજ વિભાગ દ્વારા કરોડોની બાકી વસુલાત માટે ફરી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
હાલ દરરોજ 240 ટીમ કાર્યરત
હાલારમાં બાકી વીજ બીલ મુદદે જોડાણો કાપવા માટે હાલ દૈનિક ઘોરણે 240થી વધુ ટીમ બનાવી મીટર, સર્વીસ કે જરૂર પડયે ટીસી ઉતારી લેવા માટે બંને જિલ્લામાં વિશેષ ઝુંબેશ યથાવત રખાઇ છે. જોકે, હજુ પણ મોટી સંખ્યામાં બાકીદારો પાસેથી મસમોટી વસુલાત બાકી હોવાથી તંત્ર દ્વારા મેગા ડીસ કનેકશન ડ્રાઇવનો તખ્તો તૈયાર કરાયો છે.જેની આજે અમલવારી થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt