
સુરત, 17 માર્ચ (હિ.સ.): આરોગ્યપ્રદ આહાર અને પ્રાચીન ભારતીય ધાન્યના મહત્વને પુનઃ સ્થાપિત કરવાના હેતુથી સુરત મહાનગરપાલિકા અને ખેતવાડી વિગાગના સંયુકત ઉપક્રમે આગામી તા.21 અને 22માર્ચના રોજ અડાજણના જોગણી નગર સ્થિત SMC પાર્ટી પ્લોટ ખાતે 'મિલેટ્સ મહોત્સવ' યોજાશે. જેના આયોજન અર્થે મ્યુ.કમિશનર એમ.નાગરાજનના અધ્યક્ષસ્થાને આઈ.સી.સી. સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી.
તા.21મીના રોજ સવારે 10:00 વાગે મિલેટ્સ મહોત્સવને મંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે. બે દિવસીય મિલેટ્સ મહોત્સવમાં મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ, આરોગ્યપ્રદ ઉત્પાદનો અને ધાન્યના પ્રદર્શન માટે 50 જેટલા વિવિધ સ્ટોલ્સમાંથી સુરતીઓને રાગી, કોદરી, જુવાર, બાજરી જેવા મિલેટ્સ પાકોની ખરીદીની સુવર્ણતક ઉપલબ્ધ થશે. જયારે 15 જેટલા મિલેટ્સની વાનગીઓના ફૂડ સ્ટોલ્સ ઊભા કરાશે. મુલાકાતીઓને વિવિધ મિલેટ્સના ફાયદાઓ વિશે જાણકારી મળશે અને તેમાંથી બનતી આધુનિક વાનગીઓનો સ્વાદ માણવા મળશે. સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે,
મિલેટ્સ મહોત્સવમાં જાડું અને બરછટ અનાજના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ સહ પ્રદર્શન કરાશે. આ મહોત્સવનો ઉદ્દેશ રાજ્ય સરકાર દ્વારા પરંપરાગત અનાજને બદલે મિલેટ્સ એટલે કે જાડા અને બરછટ અનાજને પ્રોત્સાહન આપવાનો છે. મિલેટ્સના ઉપયોગથી લોકોને સ્વાસ્થ્યવર્ધક ખાન-પાન અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધારવાનો છે.
બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, આસી.ડે.મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે