
ભાવનગર, 18 માર્ચ (હિ.સ.) : આજના સમયમાં જીવનશૈલીમાં આવેલા બદલાવને કારણે લોકોમાં અનેક પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બીપી, ડાયાબિટીસ જેવા રોગો તો સામાન્ય બની ગયા છે. આ ઉપરાંત આંખના રોગો, હાડકાંની તકલીફો અને અન્ય નાના-મોટા રોગોથી પણ લોકો પીડાતા હોય છે.પરંતુ દરેક વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી. ઘણા લોકો એવા હોય છે કે જેમને સમયસર યોગ્ય સારવાર મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. આવી સ્થિતિમાં સમાજમાં કાર્યરત સેવાકીય સંસ્થાઓ, ટ્રસ્ટો અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આરોગ્ય કેમ્પ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નિ:શુલ્ક આરોગ્ય તપાસ અને સારવારની સુવિધા આપવામાં આવે છે. આવા કેમ્પોમાં તબીબો દ્વારા બ્લડ પ્રેશર, શુગર, આંખોની તપાસ, દાંતની તપાસ સહિત અનેક પ્રકારની આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને સારવાર તેમજ દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવતી હોય છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામે એક અનોખું આરોગ્યધામ ચાલી રહ્યું છે, મોણપર ગામે મોક્ષ ધામમાં શ્રી ભાવનાથ આરોગ્ય ધામ કાર્યરત છે. જ્યાં દર 15 દિવસે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં અનેક દર્દીઓ લાભ લેતા હોય છે. આ આરોગ્ય કેમ્પમાં દર્દીઓની યોગ્ય તપાસ કરી અને દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવે છે, અત્યાર સુધીમાં 58 જેટલા સફળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને 2,301 જેટલા દર્દીઓએ આ નિશુલ્ક કેમ્પનો લાભ લીધો છે જે અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
આ અંગે ગોસાઈ ભગીરથગીરીએ જણાવ્યું કે આજે પરિસર છે તે મોણપર ગામનું મોક્ષધામ છે. આ મોક્ષ ધામની અંદર શ્રી ભાવનાથ આરોગ્યધામ ની શરૂઆત 2023 ની સાલમાં કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 59 જેટલા સફળ આરોગ્ય કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. આ આરોગ્ય ધામમાં યોજાતા આરોગ્ય કેમ્પમાં 58 કેમ્પ સુધીમાં 2,301 દર્દીનારાયણ એ કેમ્પનો લાભ લીધેલો છે. હાલ જોઈએ તો ડાયાબિટીસ, બીપી જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે આ ઉપરાંત ચામડીને લગતા રોગો પણ જોવા મળી રહ્યા છે.દર પંદર દિવસે યોજાતા આ આરોગ્ય કેમ્પમાં 40 થી લઈને 60 જેટલા દર્દીઓ આ કેમ્પનો લાભ લેતા હોય છે.
મોટાભાગે આ કેમ્પમાં બીપી અને ડાયાબિટીસના દર્દીઓ આવતા હોય છે. આ ઉપરાંત પણ કેટલાક સામાન્ય રોગો માટે પણ લોકો અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે. અહીંયાથી તેઓને નિશુલ્ક દવાઓ આપવામાં આવે છે. અહીંયા જે ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે તે અમારા ગામની સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા દીકરી જ છે. ફક્ત મોણપર ગામ જ નહીં પરંતુ આસપાસના અનેક વિસ્તારમાંથી દર્દીઓ અહીંયા આવતા હોય છે અને દર 15 દિવસે યોજાતા આ કેમ્પનો લાભ લેતા હોય છે. અંદાજિત ત્રણ વર્ષ જેટલો સમય આ આરોગ્ય ધામને થઈ ચૂક્યો છે આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લઇ રહ્યા છે અને સાજા પણ થઈ રહ્યા છે જેનો અમને આનંદ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT