
- નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી પવિત્ર યાત્રાધામો ખાતે મહિલાઓ માટે બનશે સ્વચ્છ અને આધુનિક પિંક ટોઇલેટ્સ
- વર્ષ 2026-27 ના રાજ્યના અંદાજપત્રમાં પિંક ટોઇલેટ માટે ₹59.14 કરોડની જોગવાઈ
- નિર્મળ ગુજરાત 2.0 પહેલ અંતર્ગત સ્વચ્છતામાં ગુજરાત રાજ્યને દેશમાં અગ્રેસર બનાવવા પિંક ટોઇલેટના નિર્માણ સહિત 4 નવા ઘટકોનો સમાવેશ
ગાંધીનગર,17 માર્ચ (હિ.સ.) ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં શરૂ કરાવેલી નિર્મળ ગુજરાત યોજનાનું ફલક સફાઇકાર્યોથી આગળ વધીને આજે મોટા પાયે વિસ્તર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં નિર્મળ ગુજરાત 2.0 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, અને રાજ્યના શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં વધુ સભાનતા કેળવવા તેમજ સ્વચ્છતામાં ગુજરાતને દેશમાં અગ્રેસર બનાવવાના ઉદ્દેશથી નાણાકીય વર્ષ 2026-27 માટે નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતાના સંદર્ભે ચાર નવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ચાર ઘટકોમાં એક છે,
મહિલાઓ માટે પિંક ટોઇલેટ્સનું નિર્માણ. મહિલાઓની સુવિધા અને સ્વચ્છતા માટે ગુજરાતની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી પવિત્ર યાત્રાધામો તેમજ તીર્થસ્થળોએ મહિલાઓ માટે સુરક્ષિત, સ્વચ્છ અને આધુનિક પિંક ટોઇલેટ્સનંઆ નિર્માણ કરવામાં આવશે.
મહિલાઓ માટે સુવિધાજનક પિંક ટોઇલેટની વિશેષતાઓ
ગુજરાત સરકારે હંમેશાં મહિલાઓ માટેની સ્વચ્છતા, સુવિધા અને સલામતી પર ભાર મૂક્યો છે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં જે પિંક ટોઇલેટ્સ બનાવવામાં આવશે, તેમાં ઘણી સુવિધાઓ હશે, જેમકે, 4 નોર્મલ ટોઇલેટ સીટ, 1 દિવ્યાંગ મહિલા માટેની સીટ, ચેન્જીંગ રૂમ, બેબી ફીડીંગ માટેનો રૂમ તેમજ મહિલા કેરટેકર એરિયા જેવી સુવિધા પણ આપવામાં આવશે.
પિંક ટોઇલેટના નિર્માણ માટે વર્ષ 2026-27ના રાજ્યના અંદાજપત્રમાં ₹59.14 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પિંક ટોઇલેટ્સના નિર્માણનો આ નિર્ણય રાજ્ય સરકારની મહિલાઓની સ્વચ્છતા અને સલામતી જાળવી રાખવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
વર્ષ 2026-27માં નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 4 નવા ઘટકોનો સમાવેશ
નાણાકીય વર્ષ 2026-27માં નિર્મળ ગુજરાત 2.0 હેઠળ કુલ 4 નવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં, 1) સ્વચ્છ શહેર – ઘન કચરાનું એકત્રીકરણ (ડોર ટુ ડોર કલેક્શન સુદૃઢ કરવું), 2) મહિલાઓ માટે પિંક ટોઇલેટનું નિર્માણ, 3) પબ્લિક ટોઇલેટ્સનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ અને 4) નદીઓની સફાઇનો સમાવેશ થાય છે. આ માટે આ વર્ષના રાજ્યના અંદાજપત્રમાં કુલ ₹329.54 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ નવા ઘટકો થકી, 100% ડોર ટુ ડોર કલેક્શન સુનિશ્ચત કરવામાં આવશે, અને સ્વચ્છ ભારત મિશન- અર્બન 2.0ના લક્ષ્યાંકોને અસરકારક રીતે હાંસલ કરવામાં આવશે. સાથે જ, રાજ્યના નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ જાહેર શૌચાલયો (પબ્લિક ટોઇલેટ)ની નિભાવણી અને જાળવણી અને સંચાલન વધુ અસરકારક રીતે કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ