

પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સઘન ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર પેશકદમી દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ છે. આ અંતર્ગત શહેરના મારુતિનગર (છાયા) વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર પેશકદમી કરી ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. મહાનગરપાલિકાના સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાંકીએ સ્થળ પર પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જમીન ખાલી કરાવતાં પહેલાં માનવતાના દ્રષ્ટિકોણથી તથા સદુપયોગના હેતુસર પેશકદમી કરીને કરવામાં આવેલા ઘાસચારાના વાવેતરનું મજૂરો દ્વારા કટિંગ કરાવવામાં આવ્યું હતું. અંદાજે 10 થી વધુ વીઘા જમીનમાં થયેલા ઘાસચારાના કાપણી કાર્ય કરી, આ ઘાસચારાને મહાનગરપાલિકાના વાહનો મારફત ઓડદર ગૌશાળા ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારા એક તરફ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું તો બીજી તરફ ગૌવંશ માટે ઉપયોગી ઘાસચારાનો સદુપયોગ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની આ કામગીરીને નગરજનોમાં સરાહના મળી રહી છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને શહેરના સુવ્યવસ્થિત વિકાસ માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya