
સુરત, 17 માર્ચ (હિ.સ.): સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ હવે અચંબિત કરતી દિશામાં આગળ વધી રહી છે. કાપોદ્રા વિસ્તારમાં એક ડેરી પાસે દરરોજ વહેલી સવારે દૂધની બોટલો ગાયબ થતી હોવાની ઘટના સામે આવી છે. ખાસ વાત એ છે કે આ ચોરી કોઈ કિંમતી સામાનની નહીં પરંતુ રોજિંદા ઉપયોગના દૂધની બોટલોની હતી.
માધવ મિલ્ક પેલેસ નામની ડેરીના માલિકે નોંધ્યું હતું કે કંપની દ્વારા બહાર મુકાયેલા દૂધના કેરેટમાંથી દરરોજ 5થી 10 બોટલો ઓછી થતી હતી. શરૂઆતમાં આ બાબત સામાન્ય લાગી, પરંતુ સતત નુકસાન થતાં માલિકે ચોરી પાછળનું કારણ શોધવાનું નક્કી કર્યું.
આ માટે દુકાનદારે CCTV કેમેરા લગાવ્યા, જેમાં એક સગીર છોકરો અંધારાનો લાભ લઈ શાંતિથી આવી બોટલો લઈ જતો હોવાનું સામે આવ્યું. ફૂટેજમાં તે આજુબાજુ નજર રાખી પછી જ દૂધ ચોરી કરતો હોવાનું સ્પષ્ટ દેખાય છે.
ઘટનાના પુરાવા મળ્યા બાદ દુકાનદારે પોલીસમાં ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી છે. સ્થાનિક વેપારીઓએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે અને વિસ્તારમાં વધુ પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે. પોલીસ હવે CCTVના આધારે સગીરની ઓળખ કરી કાર્યવાહી કરશે તેવી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે