
પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી તા. 18/03/2026થી 21/03/2026 દરમિયાન પોરબંદર સહિત ગુજરાતના ૨૫ જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદનો સમાવેશ થાય છે. આ કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક નુકસાનીથી બચવા માટે ખાસ તકેદારીના પગલાં લેવા સંદેશ આપવામાં આવ્યો છે.
ખેડૂતોને જણાવાયું છે કે જો ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં, પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી નીચેથી પસાર ન થઈ શકે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ટાળવો અને બિયારણ કે ખાતરનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવો. એ.પી.એમ.સી.ના વેપારીઓ અને ખેડૂતોએ પણ માલ-સામાન શેડ નીચે સુરક્ષિત રાખવો અને આ દિવસોમાં વેચાણ અર્થે જણસ લાવવાનું ટાળવું અથવા પૂરતી સાવચેતી રાખવી. ખેડૂતો વધુ માહિતી માટે ગ્રામસેવક, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya