
સુરત,18 માર્ચ (હિ.સ.) દેશના પાંચ કેરળ,આસામ,તમિલનાડુ,પોંડિચેરી અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં શરૂ થયેલી વિધાનસભા ચૂંટણીનો સીધો ફાયદો હવે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને મળતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધતાં સુરતના વેપારીઓ માટે આ સિઝન સોનાની તક બની છે.
સુરતના વેપારીઓ ખુશ! ચૂંટણીનો રંગ ચડતાં ટેક્સટાઈલ માર્કેટમાં 25 કરોડથી વધુના ઓર્ડર
સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ઓર્ડર, ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ગતિ આવતાં ઉદ્યોગમાં ફરી ચહલપહલ દેખાઈ રહી છે. કુલ મળીને, જ્યાં બંગાળમાં ‘ખેલા હોબે’ની રાજકીય ગૂંજ છે, ત્યાં સુરતમાં ‘નફો હોબે’ની વ્યાપારી ગૂંજ સાંભળવા મળી રહી છે.
પશ્ચિમ બંગાળમાં રાજકીય મેદાનમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે, તો બીજી તરફ સુરતના માર્કેટમાં પ્રચાર સામગ્રીના ઓર્ડરોની હોડ લાગી છે. 25 કરોડના ઓર્ડરથી વેપારીઓ ખુશ થયા છે. સુરતને દેશનું ટેક્સટાઈલ હબ માનવામાં આવે છે, ત્યાં હાલ 25થી વધુ મોટા વેપારીઓ ચૂંટણીલક્ષી મટીરિયલના ઉત્પાદનમાં વ્યસ્ત છે. ઝંડા, ખેસ, દુપટ્ટા, ટોપી અને ખાસ કરીને સાડીઓના મોટા ઓર્ડર મળતાં બજારમાં તેજી આવી છે. વેપારીઓના અંદાજ પ્રમાણે આ ચૂંટણી દરમિયાન ₹25થી ₹30 કરોડ સુધીનો વેપાર થવાની શક્યતા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર મટીરિયલની ખરીદીમાં આગળ જોવા મળી રહ્યુ છે. કેસરિયા રંગના ઝંડા, મોદી ફોટાવાળા ખેસ અને ટોપીઓનો જથ્થો મોટી સંખ્યામાં તૈયાર થઈ રહ્યો છે. પ્રચારમાં નરેન્દ્ર મોદીનો ચહેરો મુખ્ય આકર્ષણ બની રહ્યો છે.
ચૂંટણીમાં ખાસ કરીને મહિલા મતદારોને લક્ષ્યમાં રાખીને રાજકીય પક્ષોએ સાડીઓને હથિયાર અપનાવ્યું છે. સુરતમાંથી અંદાજે 1.5 થી 2 લાખ સાડીઓ બંગાળ તરફ મોકલાઈ રહી છે. ₹100થી ₹125ની કિંમતવાળી આ સાડીઓ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં વહેંચવામાં આવશે. વેપારીઓ માટે આ એક મોટું બલ્ક માર્કેટ બની ગયું છે. ચૂંટણી માટે તૈયાર થતી સાડીઓમાં ‘ધાની’ અને ‘રોટો’ મટીરિયલનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આ કાપડ સસ્તું, હલકું અને પ્રિન્ટિંગ માટે ઉત્તમ હોવાથી પક્ષના ચિહ્નો અને નેતાઓના ફોટા આકર્ષક રીતે દેખાય છે.
ભાજપ સાથે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પણ મમતા બેનર્જીના ફોટાવાળા દુપટ્ટા અને ખેસ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. મમતા બેનર્જીની છબી ધરાવતા પ્રચાર સામગ્રીનો પણ બજારમાં સારો વપરાશ છે, જોકે ઓર્ડરના પ્રમાણમાં ભાજપ આગળ હોવાનું વેપારીઓ માને છે.
આસામ અને બંગાળમાં ઝંડા અને સાડીઓની માંગ વધુ છે, જ્યારે દક્ષિણના તમિલનાડુ અને કેરળમાં ખેસ અને ધોતી વધુ લોકપ્રિય છે. સુરતના વેપારીઓ રાજ્ય પ્રમાણે ડિઝાઇન અને મટીરિયલ કસ્ટમાઈઝ કરી રહ્યા છે, જેના કારણે સુરત ‘વન સ્ટોપ સોલ્યુશન’ તરીકે ઉભરાયું છે. અસરગ્રસ્ત થયેલા ટેક્સટાઈલ ઉદ્યોગ માટે આ ચૂંટણી સીઝન નવજીવન સમાન સાબિત થઈ રહી છે. ઓર્ડર, ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટ ત્રણ ક્ષેત્રમાં ગતિ આવતાં ઉદ્યોગમાં ફરી ચહલપહલ દેખાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ