


પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)ગુજરાત સરકારના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને વેગ આપવા અને આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર પરિવાર દ્વારા રાણાવાવ તાલુકાની ઐતિહાસિક જાંબુવન ગુફા ખાતે ‘100 ડેઝ કાઉન્ટડાઉન’ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના સીધા માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ દ્વારા લોકોને નિરોગી બનાવી મેદસ્વિતા મુક્ત સમાજનું નિર્માણ કરવાનો છે.
ઝોન કોર્ડિનેટર ચેતનાબેન ગજેરાના અધ્યક્ષ સ્થાને અને ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર કેતન કોટિયાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 200 જેટલા યોગ સાધકો જોડાયા હતા. કુદરતી વાતાવરણમાં યોગ સંવાદ, ધ્યાન અને પર્યાવરણ રક્ષણના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે, નિયમિત યોગાભ્યાસ જ મેદસ્વિતા સામે લડવાનું અમોઘ શસ્ત્ર છે. કાર્યક્રમના અંતે પરંપરાગત વન ભોજનનો આનંદ માણી સાધકોએ સામૂહિક રીતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો નિર્ધાર કર્યો હતો.
આ આયોજનને સફળ બનાવવામાં યોગ કોચ ઉર્મિષાબેન પાંજરી, કિરણબેન થાકવાની, ભાવનાબેન બાદરશાહી, ઉષાબેન વાંદરીયા, જીગ્નાબેન ગોસ્વામી, નફીસાબેન ઢાલાની, જયનભાઈ જોશી તથા અનેક સક્રિય યોગ ટ્રેનરો અને સાધક બહેનો-ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને સમગ્ર ગુજરાત યોગ બોર્ડના સહયોગથી પોરબંદર યોગ પરિવાર દિન-પ્રતિદિન પ્રગતિ કરી રહ્યો છે અને ‘સ્વસ્થ ગુજરાત’ના સ્વપ્નને સાકાર કરવા કટિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya