



પોરબંદર, 18 માર્ચ (હિ.સ.)પોરબંદર ટોલપ્લાઝા ખાતે સંભવિત કેમિકલ લીકેજ જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક કામગીરી માટે મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ તથા ટોલપ્લાઝાના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમિયાન ટોલપ્લાઝા વિસ્તારમાં કેમિકલ ભરેલા વાહનમાંથી લીકેજ થવાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. પરિસ્થિતિ સર્જાતા જ ફાયર વિભાગને માહિતી આપવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સુરક્ષા સાધનો સાથે વિસ્તારને સુરક્ષિત બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કેમિકલ લીકેજને કાબૂમાં લેવાની પ્રક્રિયા, આસપાસના વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી તથા સંભવિત અસરગ્રસ્ત વ્યક્તિઓને બચાવી સલામત સ્થળે ખસેડવાની રેસ્ક્યુ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ટોલપ્લાઝા સ્ટાફને પણ આવી પરિસ્થિતિમાં કેવી રીતે સાવચેતી રાખવી અને ફાયર વિભાગને સહકાર આપવો તેની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં તમામ સંકળાયેલા વિભાગો વચ્ચે સમન્વય મજબૂત બનાવવો, સ્ટાફને તાલીમ આપવી અને કોઈપણ અકસ્માત સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે માટે તૈયાર રહેવાનો હતો. મોકડ્રીલ દરમિયાન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગના અધિકારીઓ, ફાયર સ્ટાફ તેમજ ટોલપ્લાઝાના કર્મચારીઓ હાજર રહી સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya