

મહેસાણા, 19 માર્ચ (હિ.સ.) આંબલિયાસણ સ્થિત શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ આપતી અનોખી પહેલ હાથ ધરાઈ છે. શાળાના શિક્ષક હિતેશ ગોહિલના માર્ગદર્શન હેઠળ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ચકલીઓના સંરક્ષણ માટે અંદાજિત 200થી વધુ ચકલીઘર તૈયાર કર્યા છે.
વિદ્યાર્થીઓએ મહેનત અને ઉત્સાહ સાથે તૈયાર કરેલા આ ચકલીઘર શાળાના આચાર્ય આર.પી. ગોસ્વામી ને પ્રતિકાત્મક રીતે અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ આવતા વર્ષે 500થી વધુ ચકલીઘર તૈયાર કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે.
શિક્ષક હિતેશ ગોહિલ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા વિકસે તે માટે સતત માર્ગદર્શન આપે છે. તેઓએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે ચકલી જેવી નાની ચીડિયાઓ પણ પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ સમયની જરૂર છે.
આધુનિક જીવનશૈલી, જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ અને રહેણાંક માળખામાં આવેલા ફેરફારોને કારણે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. ત્યારે આ પ્રકારની પહેલ સમાજમાં જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
વિદ્યાર્થીઓની આ પહેલે સંદેશ આપ્યો છે કે નાનકડા પ્રયત્નોથી પણ પ્રકૃતિના સંરક્ષણમાં મોટું યોગદાન આપી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR