
અમદાવાદ, 18 માર્ચ (હિ.સ.) : અમદાવાદ શહેરના પાંચ કુવા વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પાંચ કુવા વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટમાં આગ લાગી છે. અચાનક લાગેલી આગ વધુ ભીષણ બનતાં અફરાતફરીનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લગભગ ફાયરની 20 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 30થી વધારે જેટલી દુકાનોમાં આગ લાગી હતી.ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સિંધી માર્કેટમાં સૌથી વધારે કપડાં સહિત અલગ અલગ ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે. ફાયરબ્રિગેડની ટીમ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે. જેમાં એક વેપારીના કહ્યા પ્રમાણે 1.5 કરોડનું નુકસાન થયાનું અનુમાન છે. ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
રેવડી બજારમાં 50થી વધારે આસપાસમાં દુકાનો આવેલી છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
અમદાવાદ શહેર ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતાં. બાજુના કોમ્પ્લેક્સમાં લોકો ઉપર ચઢીને આગ જોવા માટે ઉભા રહી ગયા હતાં.
અંદાજે એક કલાક બાદ બહારના ભાગે આવેલી દુકાનોમાં આગ કાબુમાં આવી ગઈ હતી. પરંતુ અંદર કેટલીક દુકાનોમાં કપડું હોવાના કારણે થોડી થોડી આગ પકડાઈ રહી હતી, જેના માટે પાણીનો વધુ મારો ચલાવવામાં આવ્યો હતો. છાપરાની ઉપર ચઢી અને ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે આગને કાબુમાં લેવા મહેનત કરી હતી.
સિંધી માર્કેટમાં કપડાની દુકાન ધરાવનાર વેપારી સંજય ગોહિલે જણાવ્યું હતું કે, 12:30 વાગ્યાની આજુબાજુ આગ લાગવાની ઘટના બની હતી, સૌપ્રથમ એક જ ફાયર બ્રિગેડની ગાડી આવી હતી અને પ્લાસ્ટિકમાં આગ લાગી હતી. 30 મિનિટમાં ફાયર બ્રિગેડની ગાડીઓ આવી ગઈ હતી અને જેને પાણીનો મારો ચલાવી બુજાવવાની કામગીરી કરવામાં આવી છે.
સિંધી માર્કેટમાં જે દુકાનોમાં આગ લાગી હતી તેની બાજુની દુકાનોના દુકાન માલિકો દ્વારા પોતાના માલને નુકસાન ન થાય તેના માટે તાત્કાલિક ધોરણે તમામ માલ બહાર કાઢી લીધો હતો. પાંચ જેટલી દુકાનોના માલિકો દ્વારા પોતાનો માલ બહાર કાઢી અને અન્ય દુકાનોમાં મૂકી દીધો હતો.
ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું હતું કે, આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા હાલ પાણીનો મારો ચલાવી કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ