
ગાંધીનગર, 18 માર્ચ (હિ.સ.) : મહિલાઓમાં જોવા મળતાં ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) ને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલ HPV રસીકરણ અભિયાન ગાંધીનગર જિલ્લામાં વેગ પકડી રહ્યું છે. રસીકરણની કામગીરીમાં બોર્ડ પરિક્ષા, અંધશ્રધ્ધા અને ખોટી માન્યતાઓ જેવા અવરોધ હોવા છતાં ગાંધીનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પુંધરા ખાતેથી ગત 2 માર્ચથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 15 દિવસના ટૂંકા ગાળામાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરી કુલ 2255 કિશોરીઓનું રસીકરણ કરાયું છે.
જિલ્લામાં આ અભિયાન અંતર્ગત કુલ 8568 કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.આ માટે મુખ્ય જિલ્લા અધિકારી ડો. અશોક વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ આ કામગીરીનું દૈનિક સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. જે થકી ટૂંકા સમયગાળામાં પણ 2000થી વધુ કિશોરીઓનું રસીકરણ કરવું શક્ય બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ