
અમરેલી, 19 માર્ચ (હિ.સ.) અમરેલીથી નાસિક જતી એસટી બસમાં મહિલા મુસાફર સાથે છેડતી કરવાના ગંભીર આરોપો સામે આવ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસના ડ્રાઈવર સિપ્ટેહુસેન નકવી સામે એક મહિલા મુસાફરે છેડતીની લેખિત ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં જ ડેપો મેનેજરે મામલાની ગંભીરતા સમજી તરત જ તપાસ શરૂ કરી.
મહિલા દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ મુસાફરી દરમિયાન ડ્રાઈવરે અનિચ્છનીય વર્તન કર્યું હતું, જેના કારણે તેણીને અસ્વસ્થતા અનુભવાઈ હતી. ફરિયાદને આધારે પ્રાથમિક તપાસ બાદ ડેપો મેનેજર દ્વારા સિપ્ટેહુસેન નકવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એસટી વિભાગે જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને આવી કોઈ પણ ઘટના સામે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે. સાથે જ વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે અને જરૂરી હોય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ ઘટનાએ મુસાફરોમાં ચિંતા પેદા કરી છે, જ્યારે અધિકારીઓએ વિશ્વાસ આપ્યો છે કે આવનારા સમયમાં આવી ઘટનાઓ અટકાવવા માટે વધુ કડક પગલાં લેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai