


ભાવનગર, 19 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર સતત સક્રિય બની રહ્યું છે. ખાસ કરીને ઇંગ્લીશ દારૂના ગેરકાયદેસર વેપાર તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં ઇંગ્લીશ દારૂ, મિલ્કત સંબંધી તેમજ શરીરસંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા (PASA) હેઠળ અટકાયત કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર આવા તત્વો સામે દરખાસ્ત તૈયાર કરીને કાયદેસર કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂના ધંધામાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે રજૂ કરાયેલ દરખાસ્તને મંજૂરી આપી પાસા વોરંટ ઇશ્યુ કર્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત ઈસમોને અટકાયત કરી ગુજરાત રાજ્યની અલગ-અલગ જેલોમાં ખસેડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી હેઠળ લખન ઉર્ફે લખો જીવરાજભાઈ મકવાણા (ઉંમર ૩૩), રહેવાસી ઘોઘા રોડ, ભાવનગરને અટકાયત કરીને સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત પારસગીરી ઉર્ફે પીન્ટુ મહેશગીરી ગૌસ્વામી (ઉંમર ૩૭), મૂળ રહેવાસી જેસર અને હાલ વડોદરા નિવાસી, તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ ભરત છગનભાઈ કનક (ઉંમર ૪૭), મહુવા તાલુકા સાથે સંકળાયેલા અને હાલ સુરત નિવાસી, તેને સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે.
આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવનારા સમયમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સામાન્ય નાગરિકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT