
પાટણ, 19 માર્ચ (હિ.સ.)પાટણ ખાતે રાણકીવાવ નજીક આવેલા ઐતિહાસિક કાલિકા માતા મંદિરે આજથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસીય મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે માતાજીને દેશ-વિદેશના ડાયમંડના આભૂષણો અને કલકત્તા-મુંબઈના રંગબેરંગી ફૂલોથી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
પ્રાચીન સમયમાં રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત આ મંદિર પાટણ નગરની નગરદેવી તરીકે પૂજાય છે. અહીં સ્વયંભૂ પ્રગટ થયેલી આદ્યશક્તિ મા કાલિકા અને મહાલક્ષ્મી સ્વરૂપે ભદ્રકાળી માતા બિરાજમાન છે, જે ભક્તો માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.
નવરાત્રીના નવ દિવસ દરમિયાન દરરોજ માતાજીને અલગ-અલગ આંગી, વસ્ત્રો અને આભૂષણોથી શણગારવામાં આવશે. ભક્તોની સુવિધા માટે સવારે 10 વાગ્યે શૃંગાર આરતી, સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે 9:30 વાગ્યે સંપૂર્ણ શૃંગાર દર્શન રાખવામાં આવ્યા છે, તેમજ મંદિર પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ