
ગીર સોમનાથ, 19 માર્ચ (હિ.સ.) : જિલ્લાના નાગરિકોના આરોગ્ય, પોષણ, શિક્ષણ તેમજ આધારભૂત સુવિધાઓમાં ગુણાત્મક સુધારો લાવવાના હેતુથી કલેકટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (એમ.પી.આઈ) અંતર્ગત થતા સર્વેને અનુલક્ષીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
કલેક્ટરએ ગરીબી નિર્મૂલન માટેના મહત્વના સૂચકાંકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી મલ્ટી ડાયમેન્શનલ પ્રોવર્ટી ઈન્ડેક્સ હેઠળ આવતા લોકોને બહાર લાવવા તમામ વિભાગોએ સહિયારા પ્રયત્નો કરવા સૂચના આપી જનહીતલક્ષી પ્રશ્નો સમજીને એમના સર્વાંગી વિકાસ તરફ ડગલું માંડવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં વર્ગ-૧ તથા વર્ગ-૨ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની વિવિધ ટીમ બનાવી તમામ ગામોમાં ઓછામાં ઓછી એક આંગણવાડી તથા ૧૦ વ્યક્તિગત કુટુંબોનો સર્વે કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર તરફથી તા.૨૪ માર્ચના રોજ ઉના તાલુકાથી અને તા.૧ એપ્રિલના રોજ સૂત્રાપાડા તાલુકામાં મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સના સૂચકાંકોની સમીક્ષા શરૂ કરવામાં આવશે.
(એમ.પી.આઈ) અંતર્ગત પ્રશ્નોત્તરી ફોર્મમાં કુટુંબના કુલ સભ્યો, વ્યવસાય/આવકનો સ્ત્રોત, દૈનિક ધોરણે ભોજનમાં ફળ/દૂધનો ઉપયોગ, પ્રતિ માસ રાશનનો પૂરતો જથ્થો, બાળકોના પોષણ માટે વિશેષ કાળજી, માસિક આવક સહિતના સવાલોની પ્રશ્નાવલી રહેશે. આ સર્વે રિપોર્ટ તૈયાર થયા બાદ આ રિપોર્ટના આધારે વિભાગવાર કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ એ આવક ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ જેવા વિવિધ માપદંડોમાં ગરીબીને માપતી પદ્ધતિ છે. સરકારની લક્ષ્ય આધારિત નીતિ ઘડતરમાં વિકાસની જરૂરિયાત સમજવામાં મદદરૂપ થાય છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી તેમજ આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ