
પાટણ, 19 માર્ચ (હિ.સ.)પાટણ શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ચૈત્ર સુદ એકમના પાવન દિવસે ગુડીપડવા નિમિત્તે પરંપરાગત રીતે નૂતન વર્ષની ઉજવણી કરી હતી. અંદાજે 30 જેટલા પરિવારો દ્વારા પોતાના ઘરમાં ગુડી સ્થાપિત કરી પૂજાવિધિ કરવામાં આવી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
આ પર્વનું મહત્ત્વ મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં વિશેષ છે. માન્યતા મુજબ, આ દિવસે શાલીવાહન શાસકે વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના સ્મરણમાં આ દિવસ નૂતન વર્ષ અને વિજયોત્સવ તરીકે ઉજવાય છે. મુંબઈ, નાસિક, પુણે જેવા શહેરોની જેમ પાટણમાં પણ આ પરંપરા વર્ષોથી જાળવાઈ રહી છે.
પરિવારોએ વહેલી સવારે સ્નાન કરી ઘરની છત કે આંગણામાં ગુડી સ્થાપી, હળદર-કંકુથી પૂજન કર્યું અને લીમડાના પાન, ગોળ અને ધાણા નો પ્રસાદ લીધો. આ પ્રસાદ સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે, અને અંતે સૌએ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની શરૂઆત કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ