
સુરેન્દ્રનગર, 20 માર્ચ (હિ.સ.) : રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતની ગંભીર ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, આજે સવારે કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતી અને એક યુવક એમ બંનેના ઘટનાસ્થળે પ્રાણ પંખીરા ઉડી ગયા છે. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.અકસ્માતથી વાહનોનો કચ્ચરઘાણ નીકળતા ટ્રાફિક જામ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, હાઈવે પર ટ્રક ઉભો હતો, જેની પાછળ પીકઅપ વાન અથડાઈ હતી. એટલું જ નહીં પાછળથી પૂરઝડપે આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ આ ટ્રક સાથે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આમ ત્રણ વાહન એક પછી એક એકબીજા સાથે ભટકાતાં ચોટીલા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી અને સ્થાનિકો દોડી આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ત્રણેય વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આજે 20મી માર્ચને શુક્રવારે સવારના સમયે રાજકોટ-અમદાવાદ હાઈવે પર સુરેન્દ્રનગર ચોટીલા નજીક આવેલ વોટર પાર્ક પાસે હાઈવે પર ટ્રક ઉભો હતો, ત્યારે એક પીકઅપ વાન તેની પાછળ ધડાકાભેર ટકરાઈ હતી. બાદમાં પૂર ઝડપે આવતી બ્લેક કલરની કાર પણ આ બંને વાહનો સાથે ટકરાઈ હતી.
આ ત્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે, એક બાદ એક ઉપરાઉપરી ત્રણ વાહન એક પછી એક અથડાતા ત્રણેય વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેના કારણે રોડ પર ચારેય તરફ ગાડીનો કાટમાળ ફેલાયો હતો, સાથે જ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિના મોત નિપજતા અને બે લોકોને ગંભીર રીતે ઈજા પહોંચતા રોડ રક્તરંજીત થયો હતો. જેને જોવા રોડ પર સ્થાનિકો લોકોના તથા વાહનચાલકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસે સમગ્ર મામલે મૃતકો તથા ઈજાગ્રસ્તોના પરિવારજનોને શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે. દરમિયાન ગમખ્વાર અકસ્માતના ફોટા-વીડિયો અને સમાચાર સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાતા હાલ આ ઘટનાથી ચોટીલા પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ