


મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને પવનના કારણે ઇસબગુલના પાકને ભારે નુકસાન થયું છે. 18 અને 19 માર્ચે પડેલા અચાનક વરસાદે તૈયાર તેમજ ઉભા બંને પ્રકારના પાકને અસર કરી છે. ઇસબગુલ માટે સુકું વાતાવરણ અનુકૂળ હોવા છતાં વરસાદના કારણે દાણા કણસલામાંથી ખરી જતાં ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થયો છે.
જિલ્લાના સમી, હારીજ, રાધનપુર, શંખેશ્વર અને સાંતલપુર તાલુકામાં નુકસાન વધુ નોંધાયું છે. ખાસ કરીને સિંગોતરીયા, ભદ્રાડા, રાફુ, અનવરપુરા સહિતના ગામોમાં ખેડૂતોને મોટો ફટકો લાગ્યો છે. અનેક ખેડૂતોનો પાક કાપીને તૈયાર રાખેલો હતો, જ્યારે કેટલાકનો પાક હજુ ખેતરમાં જ હતો, જેને વરસાદે બગાડી નાખ્યો.
ખેડૂત વિરમજી ઠાકોરના જણાવ્યા મુજબ એક વીઘામાં 5000 થી 6000 રૂપિયાનો ખર્ચ થાય છે અને સામાન્ય રીતે 20 થી 25 મણ ઉત્પાદન મળે છે. પરંતુ આ વર્ષે ઉત્પાદન ઘટતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મોટા ખેડૂતો માટે આ નુકસાન 4 થી 5 લાખ રૂપિયા સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે.
આ પરિસ્થિતિને કારણે ખેડૂતોમાં નિરાશા છવાઈ છે અને તેઓ સરકાર પાસે નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર આપવા માંગ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR