

મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લાના ચાણસ્મા નજીક રૂપપુર ગામમાં આવેલું ઐતિહાસિક હરસિદ્ધ તળાવ આજે જળ સંચાલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. સદીઓ પહેલાં બનેલું આ તળાવ આજેય સ્વચ્છ અને નિર્મળ પાણી માટે ઓળખાય છે, જે તેની વૈજ્ઞાનિક રચનાને દર્શાવે છે.
તળાવની રચના અનોખી છે, જેમાં કુલ 32 ખૂણા છે અને આશરે 40 ફૂટથી વધુ ઊંડાઈ ધરાવે છે. લગભગ 133 મીટર વિસ્તાર અને 4.40 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ હાઇડ્રોલિક સિસ્ટમ માટે વિશેષ ઓળખ ધરાવે છે. વરસાદી પાણી પહેલા રૂદ્રકૃપમાં જમા થાય છે, જ્યાં ગંદકી નીચે બેસી જાય છે, ત્યારબાદ શુદ્ધ પાણી મુખ્ય તળાવમાં પ્રવેશે છે. આ પ્રક્રિયા પાણીની ગુણવત્તા જાળવી રાખે છે.
સમય જતાં તળાવ બેદરકારીના કારણે ઝાંખરોથી ઢંકાઈ ગયું હતું, પરંતુ ખોડા પટેલના પ્રયાસોથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આજે તળાવ ફરી જીવંત બન્યું છે અને ગામ માટે ગૌરવનું કેન્દ્ર છે.તળાવ હવે પર્યટન સ્થળ તરીકે પણ વિકસ્યું છે. આસપાસ હરિયાળી અને બગીચા સાથે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે સાથે ખેતી માટે સિંચાઈમાં પણ તેનો ઉપયોગ થાય છે, જે જળ સંચાલનની મહત્વતા દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR