

મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) 20 માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિજાપુર ખાતે સમર્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ દ્વારા એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી. લુપ્ત થતી ચકલી તેમજ અન્ય પક્ષીઓને તીવ્ર ગરમીથી બચાવવા અને તેમને પાણી તેમજ રહેઠાણ મળી રહે તે હેતુથી વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પ દરમિયાન ટ્રસ્ટ દ્વારા વિજાપુરના નાગરિકો અને પ્રકૃતિપ્રેમીઓને મફતમાં પાણીના કુંડા અને પક્ષીઓ માટેના માળાનું વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી અને સુરક્ષિત આશ્રય મળી રહે તે માટે આ પ્રયાસ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પક્ષી સંરક્ષણ માટે પ્રેરણા આપવાનો છે. મોટી સંખ્યામાં લોકોએ કેમ્પમાં હાજરી આપી અને આ અભિયાનને સહકાર આપ્યો.
સમર્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટનો આ પ્રયાસ માત્ર ચકલીઓના સંરક્ષણ પૂરતો સીમિત નથી, પરંતુ માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંતુલન જાળવવાનો સંદેશ પણ આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR